રવિવાર, 6 જાન્યુઆરી, 2019

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૮. નિરવની મુલાકાત



પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન :
મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. 
વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.
હવે આગળ..... 

 . નિરવની મુલાકાત



          બીજા દિવસે નીરવ સંજયને મળવા ઘરે આવ્યો. દરવાજે આવીને તેણે ડોરબેલ વગાડી. લક્ષ્મી હમણાં જ સ્નાન કરીને આવી હતી અને સંજય સ્નાન કરવા ગયો હતો તેથી લક્ષ્મીએ દરવાજો ખોલ્યો. એક ક્ષણ નીરવ મંત્રમુગ્ધ થઈ ગયો હોય એવી રીતે લક્ષ્મીના ભીના સૌંદર્યને જોઇ રહ્યો, તેની ત્વચાનો નિખાર ઉડીને આંખે વળગતો હતો. વાળમાથી ટપકતું પાણી આ મૂર્તિમંત સૌંદર્ય પર અભિષેક કરતું હોય એવું લાગતું હતું. બિલકુલ મેકઅપ રહિત, ટાપટીપ વિનાનું સાદગીભર્યું સૌદર્ય , નારીનો દેહ ધરીને ઉભેલો રૂપનો દરિયો, ફૂલ પર હમણાં જ બાઝેલા ઝાકળ જેવી આ પારદર્શક સુંદરતાને નીરવ અપલક જોઈ રહ્યો. ક્યાંય કોઈ ખામી નથી, બધી ખૂબી જ ખૂબી. એને લાગ્યું કે વાળમાથી ખભા પર ટપકીને, શરીર ઉપર સરકીને નીચે  ટપકતું પાણી એટલી જગ્યાને પણ શોભાવી દેતું હતું. તેને થયુ કે તે આ રૂપયૌવનાને જોતો જ રહે.



          બીજી તરફ દરવાજે નીરવને જોતા લક્ષ્મી ત્યાજ અટકી ગઇ. નીરવની સામે દ્રષ્ટિ કરતા તેને અનુભવ થયો કે તેના હ્રદયમા ઉંડે ઊંડે કઇંક થઇ રહ્યુ છે તેની હાલત પણ નીરવ કરતાં વધુ સારી ન હતી. તે પણ અપલક નયને નિરવને નિહાળી રહી. એમ પણ તે ગઇકાલનો આખો દિવસ પરેસાન રહી હતી. જ્યારથી સંજયે તેને કહ્યું કે તે ઊંઘમાં મારો નીરવ એમ બોલતી હતી ત્યારથી તે પણ નિરવને જોવા તેને મળવા માંગતી હતી. તેને સમજાતું ન હતું કે નીરવે તેને અંતરમન પર કેવી રીતના કબ્જો જમાવ્યો કે પછી આ વિધિની કોઈ કરામત હશે? અત્યારસુધી ઘણા બધા છોકરાઓને મળવા છતાં પણ લક્ષ્મીએ આવી લાગણી કદી અનુભવી ન હતી. તેમાં નીરવ તેના ઘરના દરવાજા પર ઊભો હતો, બસ, તે તો નિરવની આંખોમાં ખોવાઈ ગઈ હતી.



          લક્ષ્મી, કોણ છે દરવાજા પર?” સંજયના અવાજે લક્ષ્મી – નીરવની તંદ્રા તોડી. લક્ષ્મી નીરવને સંજય પાસે લઇ ગઇ. સંજયે નીરવને બેસવા કહ્યુ અને તેના વિશે જાણવાની જિજ્ઞાશા બતાવી.



          નીરવે કહ્યુ, “મારુ નામ નીરવ છે. ઠાકુર નીરવસિંહ.” સંજય મશ્કરીના હાવભાવ સાથે લક્ષ્મીને જોઇ રહ્યો, જાણે કહેતો હોય જોયો હવે બહુ મોટો ઠાકુર. “નૈનપુરના ઠાકુર ભૈરવસિંહ મારા પિતા છે.” નીરવે ઉમેર્યુ.



          જાણે વિજળી પડી સંજય પર. ઠાકુર ભૈરવસિંહનુ નામ તેણે સાંભળેલુ હતુ. એક રાક્ષસ હતો તે. માત્ર નૈનપુર પર જ નહિ પરંતુ આજુબાજુના ઘણા ગામોમા પણ તેનો ત્રાસ હતો. કોઇની પણ છોકરી કે વહુ સમય પર ઘરે ન પહોચે તો આંગળી ઠાકુર ભૈરવસિંહ પર ચિંધાતી. કોઇ પણ જગ્યાએ કોઇનુ મૃત શરીર મળે તો નામ ઠાકુર ભૈરવસિંહનુ લેવાતુ.



          ભૈરવસિંહ હતો પણ એટલો આકરો કે આખા પરગણામા કોઇની હિમ્મત નહોતી થતી કે ભૈરવસિંહને દાબે. ભૈરવ જાણે કે સાક્ષાત શયતાન, તેની સમક્ષ બાથ ભીડવાની હિમ્મત કોઇ ન કરે. જીવતા માણસનુ રક્ત પીનારા રાક્ષસનો પુત્ર આટલો કાયર? સંજયને નીરવ વિશે વધુ જાણવાની તાલાવેલી લાગી.



          ઠાકુર ભૈરવસિંહના પિતા ઠાકુર સૂબેદારસિંહનુ નામ ઘણુ મોટુ હતુ. લોકો તેમનો આદર કરતા હતા અને તેઓ પોતે પણ એક નેકદિલ ઇન્સાન હતા. તેમણે કદી કોઇનુ ખરાબ ઇચ્છયુ નહોતુ. પોતાના એકમાત્ર પુત્ર ભૈરવસિંહના લગ્ન પણ તેમણે એક સુશીલ કન્યા રૂપાદેવી સાથે કરાવ્યા હતા.



          રૂપાદેવી ખરેખર રૂપનો ભંડાર હતા. એક તરફ સૂબેદારસિંહનો દાબ અને બીજી તરફ રૂપાદેવીનુ રૂપ, ભૈરવસિંહ દબાયેલો રહેતો. ઠાકુર સૂબેદારસિંહની પોતાની પણ આ જ મરજી હતી કે ઠાકુર ભૈરવસિંહ દબાયેલા રહે, કેમ કે તે જાણતા હતા કે ઠાકુર ભૈરવસિંહમા શયતાની ગુણ છે અને આ શયતાન ઉછાળા મારે છે.



          આ જ પરિસ્થિતીમા નીરવનો જન્મ થયો. નીરવના જન્મ બાદ રૂપાદેવી નીરવનુ વધુ ધ્યાન રાખતા તે ઠાકુર ભૈરવસિંહથી સહન થતુ નહોતુ. એમ પણ નીરવ તેમને ગમતો નહોતો. ઠાકુર ભૈરવસિંહે બહાર રહેવાનુ શરૂ કરી દીધુ. પીળી કોઠીમાથી શાંતિ જતી રહી. રોજ ઝઘડા થવા માંડ્યા. ક્યારેક સૂબેદારસિંહ ભૈરવસિંહને દબડાવતા હોય તો ક્યારેક ભૈરવસિંહ રૂપાદેવી પર પોતાનો ગુસ્સો ઉતારતા હોય.  



          સૂબેદારસિંહ હંમેશા રૂપાદેવીનો જ પક્ષ લેતા. તેઓ મનમા ને મનમા પોતાને કોસતા રહેતા કે પોતે એક સારી કન્યા ની જીંદગી ખરાબ કરી નાખી. પોતાના કપૂતના કરતૂતોથી તે હંમેશા દુ:ખી રહેતા હતા. ભૈરવસિંહ રૂપાદેવી સાથે મારઝૂડ કરતો, નીરવને પણ મારતો. આ બધામા સૂબેદારસિંહ ભૈરવસિંહને ડારતા અને એટલે જ નાનકડા નીરવને દાદાજી ખુબ જ વહાલા હતા.



          ભૈરવસિંહ રાજ કરવા ઇચ્છતો હતો. આટલી મોટી જાગીરદારીનો તે માલિક હતો પરંતુ સૂબેદારસિંહ તેના રસ્તામા કાંટા સમાન હતા. તેને તેમની દેખરેખમા રહેવુ ગમતુ નહોતુ. જો સૂબેદારસિંહ હયાત ન હોય તો તે એકલો માલિક થઇ જાય. છૂટો થઇ જાય તે પોતાના ઉપર લાગેલી બધી રોકટોકમાથી. ઠાકુર ભૈરવસિંહે ઘણુ ચાહયુ કે સૂબેદારસિંહ વધુ ન જીવે પણ કુદરત ચાહેલુ કશુ આપતી નથી.



          આખરે એક દિવસ ઠાકુર ભૈરવસિંહે સત્તા મેળવવા પોતાના હાથ પોતાના જ લોહીથી રંગી નાખ્યા. સૂબેદારસિંહ રામશરણ થયા. ભૈરવસિંહના માથે પિતૃહત્યાનુ કલંક લાગ્યુ, પરંતુ આ કલંક કરતા મળેલી આઝાદી ઠાકુર ભૈરવસિંહ માટે ઘણી કિંમતી હતી.



          બસ, એ દિવસથી પીળી કોઠી ભયાવહ બની ગઇ. ત્યા જતા સૌ કોઇ ડરવા લાગ્યા. રૂપાદેવી અને નીરવને ઠાકુર ભૈરવસિંહના ક્રોધથી બચાવનાર કોઇ નહોતુ. રૂપાદેવી અને નીરવનો રોજનો માર ખાવાનો કાર્યક્રમ થઇ ગયો. આ લોકોની દર્દનાક ચીસો સાંભળી ને ઠાકુર ભૈરવસિંહ ખૂબ રાજી થતો.



          આમને આમ નીરવે ગામની શાળાનુ ભણતર પુરુ કરી લીધુ. તે કદી પિતાની સામે ઊભો ન રહેતો. પિતાના નામ માત્રથી તે ધ્રૂજવા માંડતો. એટલી હદે તે ડરપોક બની ગયો તે તેને સૌ કોઇની બીક લાગવા માંડી. અને આ જ તો ઠાકુર ભૈરવસિંહ ચાહતા હતા.



          આ અત્યાચારથી ભૈરવસિંહ ના પત્ની રૂપાદેવી ખૂબ જ વ્યથિત હતા. રૂપાદેવીથી પોતાના પુત્રની આ અવદશા જોવાતી નહોતી. નીરવનુ શાળાનુ ભણતર તો પુરુ થઇ ગયુ હતુ અને તે હવે આખો દિવસ પીળી કોઠીમા રહેતો અને તેથી જ ઠાકુર ભૈરવસિંહ તેના પર વધુ જુલમ કરતા હતા. રૂપાદેવીએ ઠાકુર ભૈરવસિંહને સમજાવી જોયા કે જે પુત્રને તમે નફરત કરો છો તેને તમારાથી દૂર રાખો તો તમને તકલીફ ઓછી થશે એમ પણ ભૈરવસિંહ નીરવ નું મો જોવા માંગતો ન હતો તેમાં રૂપાદેવી ની વિનંતી બસ વિનંતીને માન આપે છે તેમ જતાવીને ઉચ્ચતર અભ્યાસના બહાના હેઠળ નિરવને શહેર માં મોકલી દેવામાં આવ્યો.  ભૈરવસિંહે કદાચ જીન્દગીમા પ્રથમવાર જ તેમના પત્ની રૂપાદેવીની કોઇ વિનંતી માન્ય રાખી હતી. શાળાનુ ભણતર પુરુ કર્યાના ત્રણ વર્ષ બાદ નીરવ વધુ અભ્યાસ માટે શહેરમા આવ્યો.



          નીરવ માટે તો આ સુખના સમાચાર જ હતા કેમકે તેણે હવે તેના પિતા કે પઠાણ ના હાથનો માર ખાવો નહીં પડે આ વિચાર માત્રથી જ તે ખૂબ ખુશ થયો.



          નીરવ શહેરમા હોસ્ટેલમા રહેવા લાગ્યો પરંતુ તેને અંહીયા શાંતિ નહોતી. બધા તેના ડરપોકપણાને જાણી ગયા હતા અને તેને ખુબ જ પરેશાન કરતા હતા. આ બધી પરેશાની તેને સહ્ય હતી પરંતુ પિતા પાસે પરત જવાનુ તેને મંજૂર નહોતુ.

   ---------0000000000000-------



          સંજયે નીરવને સધિયારો આપતા કહ્યુ, “મિત્ર આપણે તો પાડોશી છીએ. તુ નૈનપુરનો છે તો અમે અમનપુરના. પોતાના વિશે બધી માહિતી સંજયે નીરવને આપી.”



          સંજય એક નીવડેલો કુસ્તીબાજ છે જાણીને નીરવ અહોભાવથી સંજય તરફ જોઇ રહ્યો. સંજયને તેણે વિનંતી કરી કે હવે તેઓ હંમેશા તેની સાથે રહે જેથી તેને કોઇ પરેશાન ન કરે.



          સંજય આછુ આછુ મલકી રહ્યો. તેણે કહ્યુ, “નીરવ હંમેશને માટે હુ તારી સાથે રહુ તે શકય નથી. હા, તુ જો ઈચ્છે તો હુ તને મારા જેવો બનાવી શકુ પણ તારી સાથે રહેવુ શકય નથી કેમકે અહીનો અભ્યાસ પૂર્ણ થતા જ અમે અમનપુરમા પાછા ચાલ્યા જઇશુ અને તારે પણ ફરીથી ભૈરવસિંહ જેવા પિતા પાસે પાછુ ફરવુ જ પડશે. ત્યા હુ તારી સાથે નહિ આવી શકુ, એક પિતા અને પુત્રની વાતમા હુ ન પડી શકુ. ત્યાની બધી જ પરિસ્થિતીઓનો તારે એકલાએ જ સામનો કરવો પડશે. તારામા રાજવી કુટુંબનુ લોહી છે. મને ખાતરી છે કે તુ તારી દરેક યાત્રામા સફળ થઇશ. તારે ફકત હિંમત દાખવવાની જરૂર છે. હુ તને દરેક જગ્યાએ મદદ કરીશ પણ પ્રથમ પગલુ તો તારે જ ભરવુ પડશે.”



          નીરવના ચહેરા પર આછી ખુશી આવી. તેણે આશંકાથી પૂછ્યુ, “શુ હુ તારા જેવો મજબૂત બની શકુ છુ? શુ હુ મારા પિતાનો સામનો કરી શકીશ?”



          “હા, નીરવ,” સંજય ધરપત આપતા બોલ્યો, “બસ તુ માનસિક રીતે તૈયાર થઇ જા.”



          નીરવે હા પાડી, કદાચ નીરવની આખી જીન્દગીમા આ એક અતિ-મહત્વનો નિર્ણય બની જવાનો હતો.



          નીરવની તાલીમ શરૂ થઇ ગઇ. રોજ લક્ષ્મી અને સંજય નીરવની પાછળ ખુબ મહેનત કરતા અને તે મહેનતના પરિણામો પણ દેખાવા માંડયા. એક ડરપોક, ભીરુ યુવાન હવે મર્દ બનવા માંડયો હતો. ભૈરવસિહે ભલે નિરવને કઈ નહોતું આપ્યું પરંતુ અજાણતા એક બહુ મોટી શક્તિ નિરવને વારસામાં આપી ચૂક્યા હતા જેની કોઈને જ ખબર ન હતી. ખુદ નિરવને પણ નહીં. એ શક્તિનું નામ હતું દર્દ સહન કરવાની શક્તિ. સંજય જે કઈ તાલીમ તેને આપતો તેના કરતાં પણ નીરવ વધારે મહેનત કરતો કેમકે દર્દ તો તેણે પીળીકોઠીમાં  અનુભવ્યું હતું. અહિયાં તો તેને મજા આવતી હતી અને આમ જ માત્ર થોડાક જ મહિના માં નીરવ એકદમ શક્તિશાળી બની ગયો. 



          રોજના સાથથી નીરવ લક્ષ્મીને પસંદ કરવા માંડયો અને લક્ષ્મી તો નીરવને શરૂઆતથી જ પસંદ કરતી હતી. બંનેએ સંજય પાસે તેઓના પ્રેમની કબૂલાત કરી. નીરવ હવે લક્ષ્મીને સંપૂર્ણપણે કાબેલ હતો તેથી સંજય પણ આ સબંધથી ખુશ થયો અને લક્ષ્મીને તેણે વચન આપ્યુ કે તે આ લોકોના લગ્નની સંપૂર્ણ જવાબદારી લેશે. ઠાકુર ત્રિભોવનસિંહ અને ઠાકુર ભૈરવસિંહને તે સમજાવશે અને લગ્ન માટે રાજી કરી દેશે.



          આમને આમ હસી ખુસીમા આ લોકોનો અભ્યાસ પૂર્ણ થયો અને ત્રણે જણા શહેર છોડીને ગામ તરફ જવા નીકળી પડયા. અમનપુર, નૈનપુરના ત્રિભેટા પર તેઓ ઉભા રહયા. શહેરથી અહી સુધી નીરવ કાઇ જ બોલ્યો નહોતો. લક્ષ્મીથી નીરવની આ ચુપકીદી સહન ન થઇ, તેણે નીરવને પુછયુ, “નીરવ તુ કેમ કાઇ બોલતો નથી?”



          નીરવે સંજય તરફ જોઇને કહ્યુ, “સંજય હાલ પુરતુ આપણે લગ્નનુ માંડી વાળીએ. હૂઁ લક્ષ્મીને ચાહુ છુ, તેની સાથે લગ્ન કરવા માંગુ છુ, પણ સાથે સાથે તે ખુશ રહે તેમ પણ ચાહુ છુ અને નૈનપુરમા જ્યા સુધી મારા પિતા હયાત છે ત્યા સુધી આ શકય નથી. હુ મારી માઁ સાથે નૈનપુર છોડીને શહેરમા જ રહેવા માંગુ છુ, જેથી મારા પિતાના જુલમથી અમે બંને છૂટી શકીએ. એકવાર શહેરમા ગોઠી જાય પછી હુ લક્ષ્મીને પરણીને લઇ જઇશ પણ ત્યા સુધી હુ લગ્ન નહિ કરી શકુ.”



          સંજય કહ્યુ, “નીરવ આપણે થોડા સમય માટે નહિ પરંતુ કાયમ માટે લગ્ન મુલતવી રાખીએ. તારા કહેવા પ્રમાણે તુ તારા પિતાના ડરથી ગામ છોડીને જતો રહીશ તો એવા કાયરને હુ મારી બહેન નહિ પરણાવુ કે જે પોતાની માઁની સુરક્ષા ન કરી શકે. લક્ષ્મીને ચાહતો હોય તો સામનો કર નહિ તો હુ લક્ષ્મીના લગ્ન બીજે કયાંક કરાવી દઇશ.”



          નીરવ એક ક્ષણ અવાક થઇ ગયો. તેણે નિર્ણય કરીને કહ્યુ, “સંજય મને થોડો સમય આપ. હુ અહિયા જ રહીશ, અને જ્યારે મારા પિતાનો પુરી રીતના સામનો કરી શકીશ ત્યારે જ હુ લક્ષ્મી સાથે લગ્ન કરીશ પણ તુ મને મળવા, હિંમત આપવા મારે ત્યા આવતો રહેજે.”



          નીરવની વાતથી લક્ષ્મીના ચહેરા પર ખુશી છલકી ઉઠી. આ તો ત્રિભેટો હતો. અહીથી હવે આ લોકોના રસ્તા બદલાતા હતા. નીરવ નૈનપુર તરફ ચાલ્યો અને સંજય લક્ષ્મી અમનપુર તરફ ચાલી પડયા.

---------0000000000000-------


હવેવધુ આવતા સોમવારે...... 

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર 
આપનો 

જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.

મારી નવલકથા પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન માતૃભારતી પર વાંચી શકો છો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯ . નિરવની બગાવત મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.   વહી ...