સોમવાર, 21 જાન્યુઆરી, 2019

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : . નિરવની બગાવત
મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. 
વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.
હવે આગળ..... 

            આરામભવનમા પગ મુક્તા નીરવને જાણવા મળ્યુ કે તેની માં રૂપાદેવી ને પીળીકોઠીમા લઈ ગયેલા છે. પીળીકોઠી સાંભળતા જ નીરવ આંધીની જેમ પીળીકોઠીમા પહોંચ્યો. પીળીકોઠીમા પગ મૂકતા જ નિરવે જોયુ કે તેની માતા પર કોરડા વરસી રહયા છે અને દરેક કોરડે તેની માતાના મુખમાથી ચીસ નીકળતી હતી. ભૈરવસિંહનો માનીતો પઠાણ કોરડા વરસાવતો હતો અને આ તમાસો જોઈને ભૈરવસિંહ અટ્ટહાસ્ય કરી રહયા હતા.

          વધુ જોરથી વિંઝવા માટે પઠાણે પાછળ કરેલ કોરડો અચાનક અટકી ગયો. પઠાણે જોર કર્યું પરંતુ કોરડો ન હલ્યો. તેણે પાછળ ફરીને જોયુ તો નીરવ કોરડો પકડીને ઉભો હતો. આજ પઠાણ નિરવને ઘણી વખત કોરડો મારી ચૂક્યો હતો અને તે વખતે પણ નીરવની ચીસો સાંભળીને ભૈરવસિંહ અટ્ટહાસ્ય કરતા હતા. આજે એજ પઠાણના હાથમાનો કોરડો પકડીને નીરવ ઉભો હતો.

          રૂપાદેવી ની ચીસો અટકતા ભૈરવસિંહનું અટ્ટહાસ્ય બંધ થયું. ચીસો કેમ અટકી તે જોવા ભૈરવસિંહે નજર ફેરવી તો નીરવને કોરડો પકડીને ઉભેલો જોયો. તેમણે ત્રાડ નાખી, “નીરવ, છોડી દે કોરડો.” નિરવે કોરડો ન છોડ્યો.

          પઠાણ,” ભૈરવસિંહ ફરીથી ત્રાડ નાખી, “મા સાથે દીકરાને પણ કોરડો મારો.” તે ગુસ્સાથી લાલ પીળા  થઈ ગયા પરંતુ તેમને ખબર નહોતી કે શહેરથી આવેલ આ નીરવ હવે માર ખાય તેમ નથી.

          “નહીં, મારા પુત્રને ન મારશો” કહેતા રૂપાદેવી પઠાણ સમક્ષ હાથ જોડી રહયા. તે નીરવ તરફ ફર્યા. “બેટા તુ અહીં કેમ આવ્યો? આ નર્કમાથી મે તને બહાર મોકલ્યો હતો, તુ પાછો કેમ આવ્યો? બેટા તુ પરત ચાલ્યો જા બેટા.” કહેતા રૂપાદેવી નીરવ તરફ ધસ્યા.

          એક આશ્ચર્ય સર્જાયું, નીરવે માને હાથ લંબાવી હાથના ઇશારે થોભી જવા કહ્યુ, તેની નજર તો પઠાણના ચહેરા પર જ નોધયેલી હતી, પઠાણે ફરીથી કોરડો છોડાવવા માટે જોર કર્યુ પરંતુ નીરવના હાથમાથી કોરડો છૂટ્યો નહી.

          નીરવ પઠાણની થોડો નજીક ગયો. પઠાણ કઈ સમજે તે પહેલા તો ધડાક કરતો અવાજ આવ્યો, પઠાણ બેવડ વળી ગયો, તેના હાથમાથી કોરડો છૂટી ગયો. નીરવે તેના પેટમા એક જોરદાર લાત મારી હતી. કોરડો નીરવે રૂપાદેવીના હાથમા થમાવ્યો અને ધીમા પગલે બેવડ પડેલા પઠાણ તરફ ગયો. પઠાણનો હાથ પકડી ઊભો કર્યો. આખા હોલમા સ્તબ્ધતા પથરાયેલી હતી. ભૈરવસિંહના જી હજૂરિયા કાઇ સમજી શકતા નહોતા. ત્યાં તો નીરવનો  મર્દાનાં અવાજ ગુંજ્યો, “ પઠાણ આ હાથે જ તે મારી મા પર કોરડા વરસાવ્યા છે ને,” ખટાક્ કરતો બીજો અવાજ સંભળાયો અને તે સાથે પઠાણ ની મરણતોલ ચીસ ગુંજી ઉઠી. નીરવે પઠાણના ઉંચા કરેલા હાથની કોણી પર પોતાના બીજા હાથથી જોરદાર પંચ માર્યો હતો અને ખટાક્ ના અવાજથી પઠાણનો હાથ ભાંગી ગયો હતો.

          રૂપાદેવી આશ્ચર્યથી આ ચમત્કાર જોઈ રહયા. હજુ ગઈકાલે તો તેમણે નીરવને જોયો હતો, આજ પઠાણના મારથી ધ્રૂજતો હતો અને આજે તેણે પઠાણનો હાથ તોડી નાખ્યો! તેમનુ ર્હદય ખુશીથી ભરાઈ ગયુ. નીરવે રૂપાદેવીના હાથમાથી કોરડો લીધો.

          નીરવ,” ની ત્રાડ સાથે ભૈરવસિંહ નીરવ તરફ ધસી ગયા પરંતુ એક સટાક્ ના અવાજ સાથે પાછા ખસ્યા અને ત્યાંજ બીજો સટાક્ અવાજ થયો.

          નિરવે પોતાની તરફ ધસતા ભૈરવસિંહ પર પોતાના હાથમાં રહેલો કોરડો વીંઝયો હતો. કોરડો જયા વાગ્યે તે જગ્યા પર ભૈરવસિંહને લોહી ઘસી આવ્યું હતું અને ભૈરવસિંહ કાંઈ સમજે તે પહેલાં તો નિરવે બીજી વારનો વીંઝેલો કોરડો ભૈરવસિંહના ગળામાં ભરાઈ ચૂક્યો હતો. ભૈરવસિંહનો શ્વાસ ગુંગળાવા લાગ્યો. તેમને શબ્દો સંભળાયા,

          હું તમારા જેટલો નીચે નથી કે મારા પિતાની હત્યા કરુ, પરંતુ મારી મા તરફ હવે જે કોઈ પણ આંગળી ચીંધશે કે હાથ ઉઠાવશે તો તે હાથ હું તોડી નાખીશ અને જો તે તમે પોતે હશો તો હું ભૂલી જઈશ કે તમે મારા પિતા છોકહીને નીરવે ભૈરવસિંહને એક ધક્કો માર્યો. તેના ધક્કાથી ભૈરવસિંહ જમીન પર ફસડાઈ પડ્યા.

           ચાલ માં, હવે કોઈ તને આંગળી નહીં અડકાડેકહેતા નિરવે રૂપાદેવી નો હાથ પકડ્યો અને પીળીકોઠીની બહાર નીકળી ગયો. તેણે નક્કી કર્યું હતું કે તે હવે આરામભુવનમાં જ રહેશે અને પોતાના પિતા પર નજર રાખી તેમના ત્રાસમાંથી આખા નૈનપુર ને છોડાવશે.

           પિતા સૂબેદારસિંહના મૃત્યુ પછી પ્રથમવાર પીળીકોઠીમાં ભૈરવસિંહનું અપમાન થયું હતું, તેમના પર કોરડો વીંઝાયો હતો. આજે તેમના ક્રોધની કોઈ સીમા નહોતી. તેમના આટલા માણસો વચ્ચે આ કાલનો છોકરો તેમના પર હાથ ઉઠાવી ગયો હતો, તેમને ધમકી આપી ગયો હતો. એક પળમાં મસળી નખાય એવો મગતરો તેમની ઇજ્જતના ધજાગરા ઉડાડી ગયો હતો. પોતાનુ આટલુ અપમાન કરી જનારને એમ તો કંઈ માફ ન કરી દેવાય. તેમણે નિરવને ભયંકર પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેમણે પોતાના બધા જ માણસોને સૂચના આપી દીધી કે નીરવ પર નજર રાખો અને દરેકે દરેક વાતની મને બાતમી આપો.

નાની અમથી ભૂલનુ પણ માનવે તેની જીંદગીમા ઘણુ મોટુ મૂલ્ય ચૂકવવુ પડે છે. ભૈરવસિંહને નિરવને પોતાનાથી દૂર શહેરમાં મોકલવાની ભૂલ ભારે પડી હતી. શહેરથી આવેલ નીરવ અલગ હતો. તે તેમના સામે થતો હતો તેને કોઈ જાતનો ડર ન હતો, તેણે ભૈરવસિંહને માનસિક રીતે પરેસાન કરી દીધા અને તેથી તેમની સાધનામા અવરોધ ઊભો થયો હતો. અને તે પોતે હવે તેનુ કાઇં જ બગાડી શકે તેમ નહોતા.

ઠાકુર નીરવસિંહ પોતાની દુનિયામા મસ્ત હતા, જુવાની તેમના શરીરને આંટી ચૂકી હતી. તેઓ પોતાને આ નવા જમાના પ્રમાણે ઠાકુર નહિ પણ ફક્ત નીરવ માનતા હતા. પોતાના પિતાના કરતૂતો તેમને ગમતા નહોતા, તે હંમેશા પિતાના કાર્યો પર નજર રાખતા, પિતા સાથેના મતભેદો અને લગભગ રોજની થતી મારામારીથી નીરવ એકદમ ધીર ગંભીર બની ગયો હતો. તેણે પણ લોકોને મદદ કરવા માટે ગામના લોકોમાથી જ એક નાની ફોજ બનાવી દીધી અને આ ફોજ લગભગ રોજ ગુમાનસિંહ અને વશરામના માણસોની ધોલાઈ કરતી હતી. ભૈરવસિંહના માણસો જ્યાં પણ જાય, જે કોઈની પર જુલમ કરે તેની વહારે નીરવ દોડી જતો. બાપ જુલમ કરતો હતો અને દીકરો જુલમથી બચાવતો હતો.

          સંજય પણ ભલે અમનપુરમા રહેતો પરંતુ વારે વારે નૈનપૂરમાં આવીને નિરવની ખબર કાઢી જતો અને નિરવના પરાક્રમોથી તે ખુશ થતો હતો.  તેણે લાગતું હતું કે તેણે માત્ર નિરવની નહીં પણ આખા નૈનપૂરની મદદ કરી છે. સંજયની મુલાકાતનો દિવસ નીરવ માટે મહત્વનો બની જતો, તે દિવસે નીરવ ખૂબ જ આનંદિત રહેતો.

          નીરવ પણ ક્યારેક અમનપુર જતો અને સંજયને, લક્ષ્મીને અને તેમના ગુરુજી પંડિત જગન્નાથને મળતો. પંડિત જગન્નાથના સાનિધ્યમાં તેને અપાર સુખ મળતું. નિરવે તેની માતા રૂપાદેવીને લક્ષ્મી વિશે જાણ કરી હતી અને રૂપાદેવી પણ આ વાતથી ખૂબ જ ખુશ હતા.

          ભૈરવસિંહના માણસો નીરવ થી ખુબ જ ભય પામવા લાગ્યા, તેમને થયુ કે હવે તેમના રાજનો અંત આવી ગયો, તેમણે પણ હવે પ્રજા પર જુલમ કરવા કરતાં નીરવ પર નજર રાખવાનું મુનાસિબ માન્યું. નીરવ પર ભૈરવસિંહનાના માણસોની જાસૂસી લાગી ગઈ.

          એક દિવસ ભૈરવસિંહને તેના માણસોએ બાતમી આપી કે રાતા ડુંગરની પેલી બાજુના ગામ અમનપુરના સેઠ રસિકલાલ શાહનો એકનો એક દીકરો સંજય વારે વારે નીરવ ની મુલાકાત લે છે, આ સંજય જ છે જેણે નિરવને તાલીમ આપીને તમારી સામે બગાવત કરવા ઉશ્કેર્યો છે, અને અમનપુરના જ જાગીરદાર ઠાકોર ત્રિભુવનસિંહની પુત્રી લક્ષ્મી નિરવ ને પસંદ છે.

          ઠાકુર ભૈરવસિંહે એક ભયાનક નિર્ણય લઈ લીધો, નીરવે મારા પર હાથ ઉઠાવ્યો છે, હું તેના હૃદયને કચોટી નાખીશ. તેમણે ત્રાડ પડી, ગુમાનસિંહ જાઓ આ સંજયને રામશરણ પહોચાડો અને લક્ષ્મીને પીળીકોઠીમા હાજર કરો.

          જી હજુર, કહેતા ગુમાનસિંહ ઊભો થયો. તેણે સંજય લક્ષ્મી પર નજર રાખવા માટે પોતાના માણસો મોકલી દીધા. બસ હવે આ બંને અમનપુરની બહાર નીકળે કે  તરત જ ઉઠાવી લેવાય.

          હવે ભૈરવસિંહના મુખ પર કુટિલ મલકાટ પથરાયો. તેમને હવે લક્ષ્મી નામની કળીને કચડવાની અભિલાષા હતી. આનાથી જ નીરવે કરેલા અપમાનનો બદલો લઇ  શકાશે. તેઓ પોતાના દિવાસ્વપ્નો માં ઘણા દિવસો સુધી રાચતાં રહયા પરંતુ ઘણા દિવસો સુધી ગુમાનસિંહે કોઈ સારા સમાચાર ન આપ્યા.

          પૂરા સાત હાથ ઊચો, મોટી મૂછોવાળો, પડછંદ કાયા ધરાવતો ગુમાનસિંહ માણસ નહિ જલ્લાદ હતો. દસ માણસોને તે એકલો પૂરો પડે તેવો હતો. અત્યાર સુધી તેને જે  પણ કામ સોંપવામાં  આવ્યા  હતા તે બધા જ તે સારી રીતના પૂરા પાડી ચૂકયો હતો. આવા ગુમાનસિંહની તાકાત પર ખુદ ભૈરવસિંહને ગુમાન હતુ.

ઘણા દિવસ વીતી જવા છતાં ગુમાનસિહે કોઈ સારા સમાચાર ન આપ્યા તેથી ભૈરવસિંહ અંદર ને અંદર ધૂંધવાતા હતા ત્યાં તેમને ખબર મળ્યા કે  ગુમાનસિહ પથારીવશ છે. તે ગુમાનસિહની ખબર કાઢવા અને પોતે સોપેલા કામની વિગત જાણવા ગુમાનસિહના ઘરે પહોચી ગયા.

          “હજુર, એ બાળક, બાળક નથી, મોત છે મોત.” ગુમાનસિહે કહી રહ્યો હતો. “અમે લક્ષ્મીને ઉઠાવવાની કોશિષ કરી હતી અને સફળ પણ થયા હતા પણ  સંજય આવી ગયો. તેણે કહ્યું કે લક્ષ્મીની બધી જ આફતોનો સામનો કરવા તે બંધાયેલો છે અને બસ એ એકલાએ જ અમારા બધાના આ હાલ કરી દીધા છે. એટલા માર્યા છે બધાને કે  કોઈનો હાથ તૂટ્યો છે તો કોઈનું માથું તો કોઈના પગ.         

          હજુર એ નાનો દેખાતો બાળક એક નીવડેલો લડવૈયો છે. તેની સમક્ષ ઊભા રહેવું તે પણ અમારા કોઈના હાથની વાત નથી. આખું અમનપૂર તેની કુસ્તીને વખાણે છે. આખા  પરગણામાં કુસ્તીમાં તેને કોઈ જીતી શક્યું નથી.        

          પોતાના વફાદાર માણસોની આ હાલત જોતાં ભૈરવસિંહે નક્કી કરી લીધું કે તે હવે ગમે તે ભોગે લક્ષ્મીને હાંસલ કરીને જ જંપશે અને સૌ પ્રથમ તો તે પેલા છોકરા સંજયને ખતમ કરશે. બસ, કોઈ પણ હિસાબે હવે આમ થવું જ જોઇએ.
         
ભૈરવસિંહ મજબુર હતા. નીરવ તેમનો એકનો એક પુત્ર હતો. તેના થકી જ તો તેમનો વંશ આગળ ચાલવાનો હતો. ઠાકુર નીરવસિંહના પુત્રના શરીરમા પ્રવેશ કરીને તાંત્રિક પોતાની જીવાદોરી આગળ વધારી શકે તેમ હતો પરંતુ  તેણે દરેક પેઢીની વચમા જે રાહ જોવી પડે છે તેનાથી તે કંટાળ્યો હતો આથી  ભૈરવસિંહે વશરામને તેમનો ખાસ શિષ્ય બનાવીને તેને પોતાની ઘણી વિદ્યા આપી હતી.  તે ઇચ્છતો હતો કે ભૈરવસિંહના મૃત્યુ બાદ તે પોતાના શિષ્ય વશરામની મદદથી નીરવસિંહના શરીરમા પ્રવેશ કરે અને જો તે સફળ થાય તો તો તેના નસીબ જ ખૂલી જાય. આ રાજવી કુટુંબ હંમેશાને માટે તેનુ થઇ જાય અને આ રીતના તેનુ અમરત્વ સાર્થક થઇ જાય

આ બંને શરતો માં તેને ઠાકુર નીરવસિંહની જરૂર હતી અને તેથી જ તે પોતાની સામે થનારા આ નીરવ નામના મગતરાને ભારોભાર નફરત કરતાં હોવા છતાં મસળી શકતા નહોતા.
         
          “મહારાજ આપ ઘણા દિવસથી સાધનામાં ધ્યાન નથી આપતા, વશરામ કહી રહ્યો હતો. કાળ ભૈરવસિંહેના માથે ભમતો હતો. તે વશરામ તરફ જોઈને મલકયા, તેમણે કહ્યું, “વશરામ સાધના કરવા માટે મન એકાગ્ર હોવું જોઈએ અને અત્યારે મારૂ મન નીરવ, સંજય અને  ખાસ કરીને લક્ષ્મીમાં લાગેલું છે એટલે હું અત્યારે સાધના નહીં કરી શકું. તું જા, મારૂ આ કામ થયે હું જાતે સાધના કરવા લાગી જઈશ.”


---------0000000000000-------

હવેવધુ આવતા સોમવારે...... 
મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.
આભાર 
આપનો 
જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.

મારી નવલકથા પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન માતૃભારતી પર વાંચી શકો છો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯ . નિરવની બગાવત મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.   વહી ...